મુંબઇ-અમદાવાદ ટ્રેનને દોઢ કલાક રોકી રખાતા મુસાફરોનો હલ્લો
નડિયાદ પાસેના ઉત્તરસંડા રેલવે સ્ટેશને
ઉશ્કેરાયેલા ૨૦૦ મુસાફરો સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઘુસી ગયાઃસ્થિતિ તંગ બનતા ટ્રેનને
અમદાવાદ,સોમવાર
મુંબઇ-અમદાવાદ પેસેન્જર ટ્રેનને નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન ખાતે સોમવારે...
more... બપોરે સતત દોઢ કલાક સુધી રોકી રાખવામાં આવતા ઉશ્કેરાયેલા મુસાફરોએ સ્ટેશન માસ્ટરનો ઘેરો ઘાલીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. હલ્લો મચાવીને ૨૦૦થી પણ વધુ મુસાફરો સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ટ્રેનને આ રીતે રોકી રાખીને હજારો મુસાફરોને રોજ બાનમાં લેવામાં આવતા હોવાની ફરિયાદ સાથે રોષભેર રજૂઆત કરી આક્રોશ ઠાલવ્યો હતો.મામલો ગંભીર બનતો જોઇને આ ટ્રેનને સત્વરે સિગ્નલ આપી દેવામાં આવતા સ્થિતિ વધુ વણસતા અટકી હતી.
નડિયાદના ઉત્તરસંડા પાસેના રેલવે સ્ટેશને આજે બપોરે સવા બાર વાગ્યે મુંબઇ-અમદાવાદ પેસેન્જર ટ્રેનને સિગ્નલ ન મળતા સાઇડમાં ઉભી રાખી દેવામાં આવી હતી.સતત દોઢ કલાક સુધી આ ટ્રેનને સિગ્નલ જ ન આપવામાં આવતા રોજ અપડાઉન કરતા મુસાફરો ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે ટ્રેનમાં જ હલ્લો મચાવી દીધો હતો.આ ટ્રેનને રોજ મોડી પાડવામાં આવતી હોવા અન કલાકો સુધી વિવિધ સ્ટેશનો પર સાઇડમાં ઉભી રાખી દેવાથી તંગ આવી જઇને તેઓ રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઘુસી ગયા હતા.૨૦૦થી પણ વધુ મુસાફરોએ દેકારો મચાવીને ટ્રેનને રોકી રાખવાનું કારણ જાણવવા સ્ટેશન માસ્ટરને કહેતા તેમણે સમારકારમનું રૃટીન બહાનું આગળ ધરી દીધુ હતું.
જોકે ઉપસ્થિત મુસાફરોનો રોષ જોતા તેમણે આ ટ્રેનને તાત્કાલિક ધોરણે સિગ્નલ આપી દઇને રવાના કરવાની ફરજ પડી હતી.આણંદથી આ ટ્રેન ૧૨ વાગ્યે ઉપડીને પોણા એક વાગ્યે તેનો નડિયાદ આવવાનો સમય છે જે આજે અઢી વાગ્યે નડિયાદ પહોંચી હતી.આ લોકલ ટ્રેનમાં વડોદરા , આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાંથી અમદાવાદ નોકરી કે વેપાર ધંધો કરવા આવતા રોજીંદા મુસાફરો મુસાફરી કરે છે.આ ટ્રેન લોકલ હોવાથી તેને વારંવાર અધવચ્ચે અટકાવી દેવામાં આવતી હોવાથી મુસાફરો પરેશાન થઇ ગયા છે.ટ્રેનને નિયમિત સમયસર ચલાવવાની માંગણી પણ રેલવેતંત્ર ધ્યાને લેતું નથી.આ ટ્રેનને તેના નિયત સમયાનુસાર ચલાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.